ઈરાનની 'માનવીય ભૂલ'એ લીધો 176 લોકોનો ભોગ, યુક્રેની વિમાન અકસ્માતમાં થયો મોટો ખુલાસો

તેહરાનથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની પળોમાં ક્રેશ થયેલા યુક્રેન (Ukraine) ના વિમાનને તોડી પાડવાની જવાબદારી આખરે ઈરાને (Iran) લીધી છે. ઈરાન સરકાર તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ઈરાની મિસાઈલોએ જ વિમાનને ભૂલથી નિશાન બનાવ્યું હતું.

ઈરાનની 'માનવીય ભૂલ'એ લીધો 176 લોકોનો ભોગ, યુક્રેની વિમાન અકસ્માતમાં થયો મોટો ખુલાસો

તેહરાન: તેહરાનથી ઉડાણ ભર્યા બાદ ગણતરીની પળોમાં ક્રેશ થયેલા યુક્રેન (Ukraine) ના વિમાનને તોડી પાડવાની જવાબદારી આખરે ઈરાને (Iran) લીધી છે. ઈરાન સરકાર તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ઈરાની મિસાઈલોએ જ વિમાનને ભૂલથી નિશાન બનાવ્યું હતું. આ વિમાન અકસ્માતમાં 176 લોકોના મોત થયા હતાં. જેમાં ઈરાનના 82, અને કેનેડાના 63 મુસાફરો હતા. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશો પહેલેથી જ ભૂલથી વિમાન ઈરાનની મિસાઈલોનો શિકાર બન્યું હોવાની વાત કરતા હતાં. 

અત્રે જણાવવાનું કે ઈરાનની નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે બેઠક બાદ પહેલેથી જ આ અંગેની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે ઈરાન પ્રશાસને નિવેદન બહાર પાડીને કહ્યું કે યુક્રેનનું વિમાન માનવીય ભૂલના કારણે નિશાન બન્યું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતાં. યુક્રેન ઈન્ટરનેશનલનું વિમાન બોઈંગ 737-800 ટેક ઓફની ગણતરીની મિનિટોમાં ક્રેશ થયું હતું. પ્રાથમિક તપાસમાં આ વિમાન ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયું હોવાનું કહેવાયું  હતું. 

— ANI (@ANI) January 11, 2020

સતત ઈન્કાર બાદ આખરે ઈરાને સત્ય કબુલ્યું
ઈરાને ઓસ્ટ્રેલિયા અને કેનેડાના દાવા વચ્ચે શુક્રવારે કહ્યું હતું કે યુક્રેનનું વિમાન ઈરાનની મિસાઈલનો ભોગ બન્યું નથી. અત્રે જણાવવાનું કે કમાન્ડર કાસિમ સુલેમાની અમેરિકાની એર સ્ટ્રાઈકમાં માર્યો ગયો તેનો બદલો લેવા માટે ઈરાને ઈરાકમાં રહેલા અમેરિકી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે મિસાઈલો છોડી હતી. આ દરમિયાન જ યુક્રેનનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. હવે ઈરાને સ્વીકાર્યું કે આ એક માનવીય ભૂલના કારણે થયું અને ઈરાનની મિસાઈલથી જ વિમાન ક્રેશ થયું. 

અમેરિકા અને કેનેડાએ અગાઉ જ કહી દીધુ હતું કે ઈરાનની મિસાઈલથી તૂટ્યું વિમાન
અમેરિકા (America) બાદ કેનેડા (Canada) એ પણ યુક્રેનના મુસાફર વિમાન ક્રેશ (Plane Crash) અકસ્માતમાં ઈરાનનો હાથ હોવાની વાત કરી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે અનેક ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈરાનના મિસાઈલ એટેકથી જ યુક્રેનનું વિમાન ક્રેશ થયું છે. તેમણે એમ પણ કહ્યું કે આ ઈરાન દ્વારા 'અજાણતા થયેલી ભૂલ' જણાઈ રહી છે. અત્રે જણાવવાનું કે તેહરાન નજીક બુધવારે થયેલા વિમાન અકસ્માતમાં 176 લોકોના મોત થયા હતાં. જેમાં કેનેડાના 63 નાગરિકો પણ માર્યા ગયા હતાં. આ બાજુ ઈરાને વિમાન પર મિસાઈલ એટેકના દાવાને ફગાવતા કેનેડાને ઈન્ટેલિજન્સ રિપોર્ટ શેર કરવાનું જણાવ્યું હતું.

જુઓ LIVE TV

કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટોરેન્ટોમાં એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અમારી પાસે અનેક સૂત્રો દ્વારા ગુપ્ત માહિતી છે અને તમામ પુરાવા પણ એ જ સંકેત આપે છે કે યુક્રેનના પેસેન્જર પ્લેનને ઈરાની મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં તહેરાન પાસે યુક્રેનનું જેટ વિમાન આકાશમાં ઉડતુ જોઈ શકાય છે. આ દરમિયાન તેની સાથે કોઈ ચીજ અથડાઈ અને વિમાનમાં એક નાનો વિસ્ફોટ થયો.  

ન્યૂયોર્ક ટાઈમ્સે આ વીડિયોની ખરાઈ કરતા  કહ્યું કે વિમાન મિસાઈલ સાથે ટકરાયા બાદ તેમાં નાનો વિસ્ફોટ થયો પરંતુ તે સંપૂર્ણ રીતે ક્રેશ ન થયું. જેટ વિમાન આમ છતાં થોડીવાર સુધી ઉડતું રહ્યું. આ બાજુ અમેરિકી સેટેલાઈટ્સે યુક્રેનના વિમાનના ક્રેશ થયા અગાઉ કથિત રીતે બે મિસાઈલોના લોન્ચિંગ ડિટેક્ટ કર્યા છે. યુક્રેનમાં રાષ્ટ્રીય સુરક્ષા અને રક્ષા પરિષદના સચિવ ઓલેક્સી ડેનિલોવે કહ્યું કે આ દાવાની તપાસ થઈ રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિમાનના ક્રેશવાળી જગ્યા નજીક રશિયા નિર્મિત મિસાઈલના કેટલાક ટુકડા મળ્યાં છે. આ મિસાઈલ ઈરાન પાસે છે. ફોક્સ ન્યૂઝના જણાવ્યાં મુજબ એક વરિષ્ઠ અમેરિકી અધિકારીનો દાવો છે કે રશિયન મિસાઈલ એસએ15એ જ યુક્રેનનું પેસેન્જર વિમાન તોડી પાડ્યું. 

ઈરાને કેનેડા પાસે રિપોર્ટ માંગ્યો હતો
ઈરાને મિસાઈલ એટેકથી યુક્રેનનું વિમાન તોડી પાડ્યાના દાવાને ફગાવતા આ વાતને સાવ વાહિયાત ગણાવી હતી. ઈરાને કેનેડિયન પીએમના યુક્રેનના વિાનને તોડી પાડવાના આરોપ પર ઈન્ટેલિજન્સ રિપોર્ટ શેર કરવા જણાવ્યું. ઈરાને યુક્રેનના વિમાન ક્રેશ મામલે તપાસમાં બોઈંગને ભાગ લેવા માટે પણ આમંત્રણ આપ્યું. ઈરાનના પરિવહન મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડીને કહેવાયું કે ઈરાનના એર સ્પેસમાં તે સમયે 8000 ફૂટની ઊંચાઈ પર જ અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ વિમાનો ઉડી રહ્યાં હતાં. વિમાનને મિસાઈલથી તોડી પાડવાની વાર્તા બિલકુલ સાચી હોઈ શકે નહીં. આવી અફવાઓનો કોઈ મતલબ નથી.

ટ્રમ્પે કહ્યું-બીજા પક્ષે કદાચ ભૂલ કરી
આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈશારો કર્યો હતો કે તેમને લાગે છે કે યુક્રેની વિમાન અકસ્માત માટે ઈરાન જવાબદાર છે. જો કે તેમણે સીધી રીતે તેનો દોષ ઈરાનને માથે ન નાખ્યો પરંતુ તે દાવાને ફગાવ્યો કે અકસ્માતનું કારણ કોઈ ટેક્નિકલ ખામી છે. ટ્રમ્પે આ સાથે વિમાન અકસ્માતમાં અમેરિકાનો કોઈ પણ પ્રકારનો હાથ હોવાનો પણ ઈન્કાર કર્યો. ટ્રમ્પે કહ્યું કે બીજા પક્ષ (ઈરાન)એ કદાચ ભૂલ કરી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યાં છે કે આ મિકેનિકલ હતું પરંતુ હું વ્યક્તિગત રીતે વિચારું છું કે તેનો તો સવાલ જ નથી. અજાણતા થયું હશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news